new

h-tat ભરતી પર સ્ટે

હેડ ટીચર્સના બદલી કેમ્પ યોજવા સામે હાઇકોર્ટનો વચગાળાનો સ્ટે

હાઇકોર્ટના હુકમનું પાલન ન થતાં પ્રા.શિક્ષણ નિયામકને હાજર થવા આદેશ

જો કે, નિયામકના બદલે નાયબ નિયામક હાજર રહેતાં હાઇકોર્ટે ગંભીર ટીકા કરી

અમદાવાદ,બુધવાર
રાજયમાં હેડ ટીચર્સની બદલી કેમ્પોમાં સ્થળ પસંદગીમાં પ્રમોશન કેટેગરીવાળા ઉમેદવારોને અને સીધી ભરતીવાળા ઉમેદવારોને એક પછી એકના અનુક્રમમાં પસંદગી આપવા હાઇકોર્ટનો હુકમ હોવાછતાં રાજય સરકાર અને તેના સત્તાવાળાઓ દ્વારા તેનું પાલન નહી થતાં જસ્ટિસ અભિલાષાકુમારીએ આજે રાજય સરકારની તીખી આલોચના કરી હતી. હાઇકોર્ટે કેસની ચાલુ સુનાવણી દરમ્યાન રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને હાજર રહેવા ફરમાન કર્યું હતુ પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામક મંત્રી સાથે કોઇ મીટીંગમાં વ્યસ્ત હોવાથી તેમનો સંપર્ક નહી થઇ શકતાં તેઓ હાજર રહી શકયા ન હતા. તેમના બદલે બપોરે ૨-૩૦ વાગ્યે ડેપ્યુટી ડાયરેકટર હાજર રહેતાં હાઇકોર્ટે આ મામલે પણ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને તેની ગંભીર નોંધ લીધી હતી. આખરે સરકારપક્ષના આવા વલણથી નારાજ હાઇકોર્ટે હેડ ટીચર્સના સંબંધિત બદલી કેમ્પો યોજવા સામે હાલ પૂરતી તો રોક લગાવી દીધી છે. સરકારપક્ષ તરફથી પણ આ અંગેના પાલનની હૈયાધારણ અપાઇ હતી.
રાજયની પ્રાથમિક શાળાઓમાં હેડ ટીચર્સની ભરતી પ્રક્રિયા અનુસંધાનમાં ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલા બદલી કેમ્પમાં સીધી ભરતીવાળા અને પ્રમોશનવાળા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા. હાઇકોર્ટના અગાઉના નિર્દેશાનુસાર સ્થળ પસંદગીમાં એક પ્રમોશનવાળા ઉમેદવારને ત્યારપછી એક સીધી ભરતીવાળા ઉમેદવારને ત્યારબાદ એક-એકનો આ ક્રમ જાળવી રાખવાનો હતો પરંતુ સરકારના સત્તાવાળાઓએ આ બદલી કેમ્પમાં પ્રમોશનવાળા ઉમેદવારોને એકસાથે બોલાવી લઇ તેઓને સ્થળ પસંદગી આપી દીધી, જેના લીધે સીધી ભરતીવાળા કેટલાક ઉમેદવારો બાકી રહી ગયા હતા. આવા નારાજ ઉમેદવારો તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી.
અરજદાર ઉમેદવારો દ્વારા કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, હેડ ટીચર્સના ભરતી નિયમોમાં ૫૦ ટકા પ્રમોશનથી અને ૫૦ ટકા સીધી ભરતીથી નિમણૂંકની જોગવાઇ છે અને સ્થળ પસંદગીના તબક્કામાં ઉપરોકત રેશ્યોનું પાલન કરવા ખુદ હાઇકોર્ટે જ તાકીદ કરી હતી, તેમછતાં તેનું પાલન કરાયું નથી. સરકારના આવા પક્ષપાતી વલણથી સીધી ભરતીવાળા ઉમેદવારોને સ્થળ પસંદગીમાં ભારોભાર અન્યાય થયો છે. હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઇ બપોરે ૨-૩૦ વાગ્યે રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને હાજર રહેવા અને આ મામલે ખુલાસો કરવા ફરમાન કર્યું હતું. સરકારી વકીલ મારફતે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ નિર્દેશની જાણ કરવા સૂચના અપાઇ હતી પરંતુ નિયામકનો મોબાઇલ સ્વીચ ઓફ હતો કે, મંત્રી સાથે મીટીંગમાં હોવાથી તેમનો સંપર્ક શકય બન્યો ન હતો અને તેઓ હાજર રહી શકયા ન હતા. બીજીબાજુ, અદાલતના ફરમાનને ધ્યાનમાં લઇ ડેપ્યુટી ડાયરેકટર હાજર રહ્યા હતા પરંતુ હાઇકોર્ટે તેમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. હાઇકોટે સત્તાવાળાઓ દ્વારા બદલી કેમ્પમાં પ્રમોશનવાળા ઉમેદવારો પાસેથી રાજીનામું અથવા બાંહેધરીપત્ર લેવાના નિર્ણયની પણ ભારે ટીકા કરી હતી. હાઇકોર્ટે સરકારપક્ષને સીધો સવાલ કર્યો હતો કે, ભરતીના નિયમો કે કાયદામાં આવી કોઇ જોગવાઇ જ નથી તો, તમે કેવી રીતે ઉમેદવારો પાસેથી આવા લખાણ લો છો? સરકાર તરફથી તેનો પણ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો.







Post a Comment

0 Comments