new

આ શું? બોર્ડની ઉત્તરવહી રસ્તે રઝળતી મળી આવી, 39 વિદ્યાર્થીઓનાં ભવિષ્ય અદ્ધરતાલ

વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ રીતે રોડ પર રઝળતું જોઇ પોલીસે ર્બોડ કરતાં પણ વધુ જવાબદારી નિભાવીને આ ઉત્તરવહીઓ કબજે લીધી છે. ધોરણ 12 કોમર્સની તાજેતરમાં લેવાયેલી પરીક્ષાની સંસ્કૃતની 39 ઉત્તરવહીઓ વડોદરા-હાલોલ ટોલ રોડ પર જરોદ બાયપાસ રેલવે ફાટક પાસે રઝળતી મળી હતી. 


આ ઉત્તરવહીમાંથી એકનું ખાખી સ્ટીકર ખુલી જતાં તે રાજકોટ સેન્ટરની હોવાનું જાણવા મળ્યું છે. ર્બોડની બેજવાબદારી છતી કરતા આ ચોંકાવનારા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, બુધવારે બપોરે વડોદરા-હાલોલ ટોલ રોડ પરથી ખાનગી કારમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં જઇ રહ્યો હતો. જરોદ બાયપાસ રેલવે ફાટક નજીક આ બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી જેવા દેખાતા કાગળો ડિવાઇડરને અડીને પડેલા હતા.

પોલીસ જવાનોને આ રીતે એક સાથે પડેલા કાગળો જોઇને અજુગતું લાગતાં તેમણે કાર ઊભી રાખીને જોતાં સાચે જ ર્બોડ પરીક્ષાની ઉત્તરવહીઓ જ હતી. પોલીસ પણ આ રીતે રસ્તે રઝળતી ઉત્તરવહી જોઇને ચોંકી ઉઠયા હતા. તેમણે અડધા કિમી સુધીનાં અંતરમાં 39 જેટલી ઉત્તરવહી મળી હતી. રસ્તે પસાર થતાં હાંસાપુરા ગામના ડે. સરપંચ અશોકસિંહ પ્રતાપસિંહ ચૌહાણની મદદ લઇને પોલીસે આગળના પાંચ કિ.મી. સુધી હજું બીજી કોઇ ઉત્તરવહી પડી છે કે કેમ તેની તપાસ કરી હતી. 

જો કે, 39થી વધુ ઉત્તરવહી મળી ન હતી. પોલીસે તમામ 39 ઉત્તરવહી કબજે લઇ સ્ટેશન ડાયરીમાં નોંધ કરાઇ હતી.

Post a Comment

0 Comments