new

શાળાનો સમય એક કલાક મોડો કરવા શિક્ષણમંત્રી સુધી રજૂઆત



                                           ભુજ :શિયાળાની કડકડતી ટાઢ હવે કચ્છમાં પણ શરૃ થઈ ગઈ છે અને નલિયા જેવા સેન્ટરમાં પારો પાંચ ડિગ્રી જેટલો નીચો ઉતરી ગયો છે ત્યારે સવારની પાળીમાં ભણતા બાળકો ઠંડીમાં ઠરી ન જાય તે માટે શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવે એવી માંગણી શિક્ષણમંત્રી સમક્ષ કરવામાં આવી છે. કચ્છના એક જાણીતા વકીલે મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી સરકારી અને ખાનગી શાળાઓના ધો.૧થી હાયર સેકન્ડરી સુધીના બાળકોને સવારે ૭.૩૦થી ૮ની વચ્ચે શરૃ થતી સ્કૂલોમાં પહોંચવાનું હોય છે. 
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં હાડ થીજાવી નાખતી ઠંડી પડે છે અને મોટેરાઓ પણ જો કોઈ જરૃરી કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળતા હોય છે, એવામાં શાળાનો સમય સાચવવા માટે બાળકોને વહેલી સવારે અંધારામાં ઉઠીને 
સાતેક વાગ્યાના અરસામાં સ્કૂલ જવા માટે ઘરેથી નીકળવું પડે છે. 
કેટલાક બાળકોને બસ કે રિક્ષામાં શાળાએ જવાનું થતું હોય છે. આવી ઠંડીના દિવસોમાં દરેક શાળાનો સમય નવ વાગ્યાનો કરવામાં આવે તે ખૂબ જરૃરી છે. આ માટે શાળાઓના સંચાલકોને પણ સૂચના આપવા તેમણે મંત્રીને આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત કેટલીક શાળાઓમાં પ્રાર્થના માટે ખુલ્લા મેદાનમાં બાળકોને ઊભા રાખવામાં આવે છે, 
જેના બદલે પોતાના વર્ગમાં જ બાળકો પ્રાર્થના કરે એવી સિસ્ટમ ઊભી કરવા તેમણે આગ્રહ રાખ્યો હતો. કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી મુકેશ પટેલ સમક્ષ પણ આજે એક વાલીએ શાળાનો સમય શીતકાલને ધ્યાનમાં રાખીને બદલાવવા માટે વાત કરી હતી ત્યારે પટેલે એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે આમાં મારૃં કાંઈ ન ચાલે.

Post a Comment

0 Comments